કચ્‍છના રાજમહેલો

 

        આજે તો આપણે એક સ્‍વતંત્ર પ્રજા છીએં.  બ્રિટિશરોથી તથા રાજાશાહીથી મુકત થયે આપણને ૬૦ વર્ષ પૂરા થઇ ગયા છે.  આઝાદીની મીઠી-મધુર સુગંધ આપણે માણી રહ્યા છીએ.  નવી પેઢીને તો બ્રિટિશરો કે રાજાઓ કોણ હતા તેનો અંદાજ પણ નહીં આવે, માત્ર ઇતિહાસનાં પાઠ્ય પુસ્‍તકોમાં તેના વર્ણન વાંચી અંદાજ કરશે.

 

        પરંતુ તે પણ એક યુગ હતો.  તેની પણ પોતીકી આબોહવા હતા.  તેનો પણ એક વિશિષ્‍ટ ઇતિહાસ હતો અને એક પરંપરાપ્રેમી પ્રજા તરીકે આપણે તે ઇતિહાસને જાણવો જરૂરી બની જાય છે. ઘણીવાર ઇતિહાસથી વર્તમાનને વધુ સમજી શકાય છે.  આ દ્રષ્ટિએ ઇતિહાસ પર એક નજર કરશું તે અયોગ્‍ય ન‍હીં ગણાય.

 

        બ્રિટીશ સમયમાંના અનેક રાજાશાહી રાજયોમાં કચ્‍છ પણ એક રાજય હતું.  અન્‍ય રાજયો કરતાં તે પોતાની વિશિષ્‍ટ ભૌગોલિકતા ધરાવતું હતું.  તે થોડુ સ્‍વતંત્ર પણ હતું.  ભારતના અન્‍ય રાજયો તથા બ્રિટિશરો સાથે તેના વિશિષ્‍ટ સંબંધો હતા.  તે ઇતિહાસનું અધ્‍યયન થવું જરૂરી બને છે.  આજે તો ઇતિહાસ ભુંસાતો જાય છે.

 

        ભવિષ્‍યમાં જયારે કેવળ ભૌતિક સ્‍થળો બાકી રહેશે ત્‍યારે તેના આધારે ભૂતકાળને ‍નીરખવાનો રહેશે. રાજાશાહીનો ગીચ ઇતિહાસ છે.  તેના રાજમહેલો દરેક રાજવીની કથાનો પદ્ધ્‍વનિ આપને સંભળાવે છે, સાંભળતા આવડે તો !  મહેલો રાજાની સંસ્‍કારિતાના દર્શન કરાવે છે, તેના શોખની ઝાંખી કરાવે છે, તેના વૈભવનું પ્રદર્શન કરાવે છે.

 

        કચ્‍છ એકતંત્રી રાજાશાહી નીચે રહ્યું છે.  અહીંનો વિસ્‍તાર વિશાળ હોવા છતાં લગભગ ચારસો વર્ષ સુધી એક જ વંશે સમગ્ર કચ્‍છ પર રાજ્ય કર્યુ છે.  તેથી ‍સત્તાનું ‍કેન્‍દ્ર પાટનગર ભુજ જ રહ્યું છે.  તેથી મુખ્‍ય રાજમહેલ ભુજમાં જ હોય તે સ્‍વાભાવિક છે.  ભુજની બહાર કોઇ સ્‍થળ ગમી ગયું હોય યા પિતા સાથે મતભેદ થવાથી કોઇ યુવરાજે પોતાનો અલગ મહેલ બંધાવ્‍યો હોય તો અન્‍યત્ર મહેલ જોવા મળે.  કચ્‍છમાં એવા બે-ત્રણ મહેલ દેખાય છે. તે બધા પર દ્રષ્ટિ કરવી રસપ્રદ બનશે.

 

        રાજમહેલની વ્‍યાખ્‍યા છે કે જ્યાં રાજા તેના કુટુંબ કબીલા અને નોકરો સહીત કાયમી નિવાસ કરે.  ત્‍યાં જ તેનો વહિવટ ચાલે.  એટલે મહેલ કૌટુંબિક તથા રાજકીય બન્‍ને બાબતોનું કેન્દ્રિત સ્‍થળ હોય.

 

        આ દ્રષ્ટિએ જોઇએં તો ભુજમાં આવેલ દરબાર ગઢનું સંકુલ  (Complex) જ માત્ર રાજ મહેલની વ્‍યાખ્‍યામાં આવી શકે છે.  બાકી બધા તેના સાથે એક યા બીજા હેતુસર જોડાયેલા મહેલો ગણી શકાય.  તેથી ભુજમાં દરબારગઢ પર પ્રથમ દ્રષ્ટિ કરીએં.

 

       દરબાર ગઢ

 

        ઇ.સ. ૧પ૪૯ માં રાવશ્રી ખેંગારજી પહેલાએ ભુજમાં તોરણ બાંધ્‍યુ.  ત્‍યાં તેમણે ટીલામેડીબનાવી, તે જ દરબાર ગઢનો પાયો.  પછી તો તેમના વંશજો આવતા ગયા તેમ તેમ પોતાપોતાની રૂચિ મુજબ તેમાં ફેરફારો કરતા ગયા, અને મેડી દરબારગઢમાં ફેરવાતી ગઇ.  તેનો વિસ્‍તાર વધતો ગયો.  રાવ ગોડજી તથા દેશળજી પહેલાના સમયથી તેનામાં કલાત્‍મકતા ઉમેરાઇ.

 

        આ બધામાં ઉલ્‍લેખનીય રાવ લખપતજી (સન ૧૭૫ર-૬૧) તે પોતે ઉત્તમ કળાવાંચ્‍છુ તથા સાહિત્‍યસેવી હતા, અને તેમને મળી ગયો રામસિંહ માલમ યુરોપીયન કળાનો સિધ્‍ધહ‍સ્‍ત કળાકાર !  મહારાવ અને માલમના સ્‍વપ્‍નાનો આકાર સાક્ષાત્‍કાર એટલે દરબાર ગઢમાં આવેલ આયના મહેલ.  રામસિંહની એ કલ્‍પનાને સાકાર કરી કચ્‍છના પરંપરાંગત દહિસરિયા સુતારો પૈકી ગઇધર દેવશીએ ને આયના મહેલ સર્જાયો.  આજે પણ તે અજોડ ગણાય છે.  હવે તો તે ‘‘મહારાવ મદનસિંહજી મ્‍યુઝિયમ અને કલાઅટારી‘‘ માં ફેરવી નાખવામાં આવ્‍યો છે અને પ્રજા માટે ખુલ્‍લો મુકાયો છે.  પરંતુ તેના ખંડો અને તેમાં સાચવેલ ઐતિહાસિક વસ્‍તુઓને નીરખીએં તો મહારાવનો કળાપ્રેમ તથા રામસિંહની દ્રષ્ટિ પ્રત્‍યે સલામ ભરવાનું મન થાય.

 

        ભુજમાં આવેલા હોળી ચકલાના નાકામાં પ્રવેશો એટલે દરબારગઢના ચોકમાં પ્રવેશો છો.  ત્‍યાં સામે પ્રથમ નગારખાનું આવે.  તેના દરવાજામાં પ્રવેશો એટલે જુના રાજગઢમાં આવો છો.  ત્‍યાંથી આગળ વધી જુના ધુઆરની દોઢીને જોડાતા અટારિયા દરવાજામાંથી થઇ ‘‘મન-વિલાસ‘‘  ચોકમાં આવીએં કે તરત આયના મહેલ આવે છે.  તેના પ્રવેશદ્વવાર પાસે જ ‘‘કચ્‍છ વર્ક‘‘  ની નકશીદાર ઝાળી દેખાય છે.  તેનું ઝીણવટભર્યુ નકશીકામ ત્‍યાંથી પસાર થનાર કોઇ પણ વ્‍યકિતનું ધ્‍યાન તરત ખેંચે છે.  તેમાંથી અંદર પ્રવેશો એટલે ઝરૂખો દેખાશે, જે આગળ લોબી હતી.  હવે તેને મ્‍યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી છે.  ત્‍યાંથી ‘‘શીત મહેલ‘‘  માં પ્રવેશ મળે છે.  ખંડના મધ્‍યમાં ૫૮૪ x ૬ર૮ સે.મી. માપનું પ્‍લેટફોર્મ (પેઢલી) છે.  તેના પર પશ્ચિમાભિમુખ મહારાવ લખપતનું શ્વેત સંગેમર્મર સુંદર આસન ગોઠવેલ છે.  તેના પર હવા નાખવા માટે બુટાદાર મોર ભરેલો ઝુલણ પંખો લટકાવ્‍યો છે.  ચારે બાજુ સંગીતના વિવિધ સાધનો ગોઠવ્‍યા છે.  પગટેકણીયા પાસે મહારાવની ચાખડી છે.  તેને પહેરીને ચાલતા ત્‍યારે કમળફૂલ આકારનું તેનું આંગણી ટેકણ ખટક અવાજથી ઉઘાડબંધ થતું અને તેમાંથી અતરરસ્‍યું કંકુ રેલાતું.

 

        આ બેઠકમાં ફરતે ૭૦ સે.મી. ઉંડો અને ૧૭૦ સે.મી. પહોળો હોજ બનાવ્‍યો છે. તેમાં ફૂવારા ગોઠવ્‍યા છે.  તેની કિનારી ફરતે કૃત્રિમ કમળ ફૂલની દીપની હારમાળા મૂકી છે.  તેની પાછળ ફરતે ર૧પ સે.મી. લાંબી પરશાળ છે.  તેની થાંભલીઓ પર વિવિધ છબીઓ મૂકી છે.  તેની ચારે તરફ ૩ર૦ સે.મી. ની ઉંચાઇની પથ્‍થરનાં ચણતરની દિવાલ છે. તેના પર આવેલ ચૂનાની ભારે છત્ત માત્ર લાકડાકામ પર ટેકવેલ છે.  દિવાલ પર મૂકેલ જાડા લાકડાની પાટો પર મૂકેલ દરેક ખૂણે પાંચ એવા ૫૦૦ સે.મી. મોટા સવલણના ર૫ ગુંધાના આધારે ટેકવેલ છે.  છત અને દિવાલ વચ્‍ચેના ખુલ્‍લા ભાગને ૩૦૦ સે.મી. ઉંચી લાકડાની કમાન દિવાલથી ઢાંકી દીધેલ છે.  રાવ લખપતજીએ આ ખંડમાં મનોરમ્‍ય વાતાવરણ સર્જવાનો પ્રયત્‍ન કર્યો છે.  સૂર્યનો સીધો પ્રકાશ પણ ન આવે છતાં તેની છાયા નિયં‍ત્રિત થવાથી ખાસ પ્રકારનું અંધારૂં તેમાં થાય અને તેમાં ઝગમગતા દીવડાઓથી અને ઝુમ્‍મરોથી એક પ્રકારનું માદક વાતાવરણ ઉભું થાય.  મહારાવ અહીં દરબાર ભરતા, નૃત્‍ય જોતા અને કાવ્‍ય સર્જન પણ કરતા..

 

        તેના પાસે ‘‘બહારમોલ‘‘ છે.  તે વાસ્‍તવમાં આયના મહેલ છે.  તેની થાંભલીઓ અને છત પર આભલાંજડિત અરીસાઓ જડેલા છે.  ખંડમાં વિવિધ દેવોની કાષ્‍ટમૂર્તિઓ રાખેલ છે.  કચ્‍છના મહારાવોનાં તથા મોઘલોનાં ચિત્રો પણ રાખેલાં છે જે અભ્‍યાસનીય છે.

 

        આ ખંડની વચ્‍ચે ‘‘હીરામોલ‘‘  છે.  તે મહારાવનો શયનખંડ છે.  તેની ભીંત આરસની છે.  છતમાં સોનાની કિનારીવાળા આયના જડી દિવાલને હીરાજડિત વેલબૂટાની બાંધણી ભાતથી અલંકૃત કરી છે.  ડાબી બાજુ સુવર્ણના પાયાવાળો ઢોલીયો છે.  તેના પર (હવે) લખપતજીની ‍હીરાજડિત ઢાલ-તલવાર રાખવામાં આવેલ છે.  ખંડમાં મહારાવનો શોખ પ્રગટ કરતી અને રામસિંહની કળાદ્રષ્ટિની કમાલ દેખાળતી વસ્‍તુઓ ગોઠવી છે.

 

        ત્‍યાંથી જનાનખાના (રાણીવાસ) માં જવાના દરવાજા પર બેસાડેલ કમાડ હાથી દાંતના છે.  તે લખપતજીના પિતા ગોડજીના સમયમાં ૧૭૦૮ માં બનાવેલ છે.  તેની સૂક્ષ્‍મતમ નકશી જોનાર આશ્ચર્યવત જ બને છે.  અનેકે તેની માંગણી કરી છે, પણ સદભાગ્‍યે, તે આજે પણ મ્‍યુઝિયમમાં જ સચવાયેલ છે.

 

        આયના મહેલમાં અનેક વસ્‍તુઓ જોવાલાયક છે. તેમાં મુખ્‍ય છે ૧પપ વર્ષનું જુનું કચ્‍છી બનાવટનું અદભુત ઘડિયાળ.  તે દર મિનિટે મધુર રણકારવાળો ટકોરો કરે છે.  તે સાલ, માસ, તિથિ, ચોઘડીયાં, કલાક, મિનિટ, સેકન્‍ડ, સુર્યોદય, સુર્યાસ્‍ત તથા ચંદ્રકળા બતાવે છે.  આજે પણ તે ચાલુ છે.  તેના સામેની ભીંત પર રાવ પ્રાગમલજીના સમયમાં યોજાતી નાગપંચમીની ભુજીયાની સવારીની ચિત્રપટ્ટી પણ જોવાલાયક છે. તેમાંથી રાજદરબારની રસમો તથા લોકજીવનનાં દર્શન થાય છે.

 

પ્રાગ મહેલ

 

        નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે.  તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે.  તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્‍યો છે.  રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો.  તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો.  છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિ‍યા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું.  આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્‍યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે.  આવું ભવ્‍ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું.  તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે)  તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો.  વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે.  તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં.  આ હોલ છોડવાનું મન જ ન થાય.

 

        ત્‍યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય.  ત્‍યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે.   ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્‍મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે.  સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે.  તેનું બાંધકામ તો જાણે નીરખ્‍યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.

 

        દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે.  ત્‍યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે.  તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે.  દરબાર ગઢ આસપાસ ગઢ છે.  તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે.  પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘  કહે છે.  રાજવીના કુટુંબના સભ્‍યનું મૃત્‍યુ થાય તો તેનું શબ ત્‍યાંથી બહાર નીકળતું.  (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્‍યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી.  પ્રાગમહેલ પાછળ મલ્‍લો માટેનું મેદાન તથા સ્‍નાનાગાર આવેલ છે.  તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.

 

        આજે પણ તેની ભાંગી-તૂટી ભવ્‍યતા અકબંધ છે.  પ્રવાસીને હજી પણ તે આકર્ષે છે અને રાજાશાહીની ઝાંખી કરાવે છે.

 

 

       જુની મેલાત

 

        ભુજના રાજદરબાર જેટલો જ જુનો છે માંડવીમાં આવેલ ‘‘મોલાત‘‘.  તે પણ અગત્‍યનો છે.  માંડવીના દરિયાકિનારે આવેલ આ મહેલ કચ્‍છના મહારાવોનું પ્રિય સ્‍થળ રહેલ છે.  કચ્‍છના રાજાઓને ભુજ પછી કોઇ પણ સ્‍થળનું આકર્ષણ રહ્યું હોય તો તે માંડવી શહેરનું છે.  માંડવી બંદર આરોગ્‍યની દ્રષ્ટિએ ઉત્તમ છે.  ભુજની ગરમીથી બચવા માંડવી ઉત્તમ સ્‍થળ બની શક્યું છે.  વળી, તેનો દરિયાકિનારો પણ ઉત્તમ છે.  શહેર પોતે પણ રમણીય છે. આર્થિક દ્રષ્ટિએ પણ તે સમયે ભારતનાં અગ્રણી બંદરોમાંનું એક ગણાતું હતું.  વેપાર દ્રષ્ટિએ પણ સમૃધ્‍ધ ગણાયું છે.  આ બધા કારણે રાજાઓને પણ તે પ્રત્‍યે આકર્ષણ રહ્યું છે.

 

        આ બાબતને જ ખ્‍યાલમાં રાખીને રાવ લખપતજીએ માંડવીમાં આ નાનકડો મહેલ બંધાવ્‍યો હતો.  તે ઘણો જુનો હોવાની તેના વિશે કોઇ લેખિત આધારો પ્રાપ્‍ત થતા નથી.  માત્ર રસબ્રુકે પોતાનાં પુસ્‍તક The Black Hills માં તેનો ઉલ્‍લેખ કર્યો છે તે પરથી કર્ણોપકર્ણ જે વાતો સચવાઇ છે તેના વિશે જાણવા મળે છે.

 

        આ મહેલનાં બાંધકામમાં પણ રામસિંહનો અગ્રફાળો હતો.  તેનાં અન્‍ય ઉત્તમ સર્જનોની માફક મોલાત પર તેનો હાથ ફર્યો છે.  બે માળવાળો આ નાનકડો મહેલ કળા કારીગરીથી શોભે છે.  મહેલ સામે ઉભા રહીએ તો પ્રથમ નજરમાં જ તેની વિશિષ્‍ટતા પકડાઇ જાય છે.  મોટે ભાગે દરવાજા પર જે સિંહની મુખાકૃતિ ગોઠવવામાં આવે તે સામામુખવાળી હોય છે, પરંતુ અહિં બાજુમાં મુખવાળા સિંહો રાખ્‍યા છે.  બારણા પાસેના દરવાનો પણ વિદેશી ઢબવાળા પોષાકથી આભુષિત છે. 

 

        મોલાતના મુખ્‍ય દરવાજાની જમણી બાજુમાં મેદાનમાં ઉભા રહી તેની ભીંત પર નજર કરવામાં આવે તો આંખો તેના શિલ્‍પોમાં સૌંદર્યથી છલકાઇ જાય છે.  તેનાં શિલ્‍પો ભીંત પર સ્થિર નૃત્‍યો કરતાં દેખાય છે !  પ્રથમ નજર પડે છે કલામંડિત રથ પર.  ગીતાના કૃષ્‍ણ અને અર્જુન આપણાં મનઃચક્ષુ સામે તરી આવે છે. તેની બાજુમાં ગોખ નીચે, પુરૂષાકૃતિઓ પણ ધ્‍યાન ખેંચે છે.  બાજુમાં પ્રાણીઓના શિલ્‍પો વેરાયેલાં છે.

 

        શિલ્‍પો પર રામસિંહના વિદેશ પ્રવાસની ગાઢ અસર દેખાય છે.  તેમણે હોલેન્‍ડમાં જોયેલ સભ્‍યતાની સ્‍મૃતિ શિલ્‍પોમાં દેખાય છે.  નૃત્‍ય કરતી છોકરીઓ તથા હાથમાં દારૂની પ્‍યાલી લઇ નાચતા મસ્‍તીખોર ડચ લોકોનાં શિલ્‍પ પણ આંખમાં વસી જાય છે.  જેમ આંખ ફરતી જાય તેમ તેમ અનન્‍ય માનવ આકૃતિઓ આપણા સામે રજુ થાય છે.  તેના પર તડકો-છાયો પથરાય છે.  હવે તો તેના પર ચૂનાના થર જામી ગયા હોવાથી તેની નજાકત તૂટતી જાય છે.  છતાં પોતાનું બચ્યું સૌંદર્ય આપણાં સામે પુરૂં પ્રગટ કરે છે.

 

        અંદરના ખંડોમાં ફરીયે તો પણ ખૂણે ખાંચરે તેનું શિલ્‍પ જોવા મળે છે.  છતો નીચે મનોરમ્‍ય નકશીકામ દેખાય છે.  અંધારામાં જાણે પ્રકાશ પથરાઇ જાય છે.  આ મહેલ પણ ઐતિહાસિક રહ્યો છે.  રાવ લખપતજી જયારે માંડવી આવતા ત્‍યારે ત્‍યાં રહેતા.  પછીના રાજાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે.  રાવ રાયધણજી બીજાનો ઉલ્‍લેખ કરવો જરૂરી બને છે. તેમણે પ્રજાની ધર્માન્‍તરની પ્રક્રિયા શરૂ કરી અને માંડવી પર આક્રમણ કર્યુ ત્‍યારે કેદ પકડાયા અને આ મોલાતના બીજા માળે તેમને નજર કેદ કર્યા હતા એવી લોકવાયકા છે.  તેમની પ્રકૃતિ ઉશ્કેરાટ ભરી હોવાથી, તે સહન ન કરી શકતા આ બંધનને અને ઉશ્‍કેરાટમાં થાંભલા પર તલવારનો ઘા કરતા ઘાના લસરકા હજી પણ થાંભલાઓએ સાચવી રાખ્‍યા છે.

 

        મહારાવશ્રી ખેંગારજી ત્રીજાને પણ આ સ્‍થળ અતિ‍‍પ્રિય હતું.  તે પણ માંડવી આવતા ત્‍યારે ત્‍યાં જ રાત્રી નિવાસ કરતા.  ત્‍યાંથી જ વહીવટ ચલાવતા.  સાંજે શિલ્‍પમંડિત ભીંત સામેના ઓટલા પર બેસી દરબાર ભરતા અને ન્‍યાયનું કાર્ય કરતા ક્યારેક કોઇને દેહાત દંડની સજા કરવી પડે તો સૌંદર્ય વચ્‍ચે પણ ઉદાસ થઇ જતા અને એક દિવસનો ઉપવાસ જાહેર કરતા અને ઓટલા પર ઉદાસીન થઇ બેસી રહેતા.  આ રમણીયતા અને ઠંડક તેમની ગમગીની ઓળખવામાં ખૂબ મદદરૂપ થતી હશે.

 

       વિજય વિલા

 

        ત્રીજા ખેંગારજી સુધીના રાજવીઓને માંડવી આવવાનું થતું ત્‍યારે તે મોલાતમાં રહેતા, પરંતુ ખેંગારજીના કુંવર વિજયરાજજીને સ્‍વતંત્ર મહેલ બંધાવવાની ઇચ્‍છા થઇ અને તેમણે માંડવીની પશ્ચિમે લગભગ આઠેક કિ.મી. દૂર કાઠડા ગામ પાસે પોતા માટે જુદો મહેલ બંધાવ્‍યો.  તે આ વિજય વિલાસ.

 

        વિજયરાજજીએ લગભગ ૧૯ર૦ થી તેનો વિચાર કરવા માંડ્યો.  ૧૯ર૭ માં બંધાવો શરૂ થયો હતો એવો એક અભિપ્રાય છે.  પણ ત્‍યાંના જૂના કર્મચારી શ્રી ગઢવી પુનશીરાજે પોતાની જુની ડાયરીમાંથી તેની પાયાવિધિની તારીખ વિક્રમ સંવત ૧૯૭૯ ના વસંત પંચમી બતાવી.  તેનો અર્થ ઇ.સ. ૧૯ર૩ ની ર૦મી ફેબ્રુઆરીએ તેની પાયાવિધિ થઇ હશે.  તેના આર્કિટેકટ તરીકે જયપુરના શ્રી માધવરાવ, ઇજનેર તરીકે શ્રી છોટાલાલ સી. શેઠ, પાયો ભરનાર હરિરામ ઠક્કર તથા ઓવરસીયર તરીકે હિંમતલાલ ધોળકીયા હતા.  મિસ્‍ત્રી બાલારામ હતા. પુનશીરામના અંદાજ પ્રમાણે તેનું ખર્ચ ૬૦ લાખ કોરી થયું હતું.  પણ શ્રી પૃથ્‍વીરાજજીના અંદાજ પ્રમાણે ર૦ લાખ કોરીથી વધુ ન હોય.  મહેલને બાંધતા બાર વર્ષ લાગ્‍યા હતાં.  તેના આસપાસના ભાગને સજાવવાનું કામ પ્રખ્‍યાત વનસ્‍પતિશાસ્‍ત્રી ઇન્‍દ્રજીએ કર્યુ.  પ્‍લાન્‍ટેશન વિકસાવવાનું કામ નવસારીના નાગરજી દેસાઇએ કર્યુ.  આજે તો ઘણું અસ્‍તવ્‍યસ્‍ત છે.  સુકાવા લાગ્‍યું છે છતાં તેની ભવ્‍યતાની ઝાંખી જોવા મળે છે.  મહેલની જાળવણીનું કાર્ય રાજયના ઇજનેર મહાપ્રસાદ દેસાઇ કરતા.

 

        મહેલ સામે ઉભા રહીએં તો તેની ભવ્‍યતા આપણા સામે પ્રગટે છે.  ત્રણ માળનો વિશાળ વિલા છે.  ભોંયતળીયે આઠ ખંડ છે.  પ્રથમ માળે પંદર ખંડો ખાલી છે. મહેલને ફરતા અગીયાર ઝરૂખા છે.  આજે તો આ ખંડો ખાલી છે. પણ એક સમયે પુષ્‍કળ ફર્નિચરથી તથા રોમન-શિલ્‍પોથી શોભતા હતા.  રૂમમાં જઇએં ત્‍યારે જુના કાશ્‍મીરી ગાલીચાની મુલાયમતા સ્‍પર્શી જાય છે.  નીચેનાં બેડરૂમમાં ચાંદીના પાયાવાળો પલંગ પણ ધ્‍યાન ખેંચે છે.

 

        પાછળની લોબીમાં બેસવાથી તેની પાછળ આવેલ બાગનાં દર્શન થાય છે.  ફૂવારામંડિત બાગ એટલો સુંદર છે કે ત્‍યાંથી ખસવાનું મન જ ન થાય.  વિજયરાજજી ઢળતી બપોરે ત્‍યાં બેસતા અને રંગો વચ્‍ચે નહાતાં.

 

        વચ્‍ચે આવેલ ડાઇનીંગ હોલને હજી જૂની રીતે સાચવી રાખ્‍યો છે.  ત્‍યાં જૂના વિરલ ફોટોગ્રાફસ અને પેઇન્‍ટીંગ્‍સને જોવા જેવા છે.  હોલમાં દેશી પિયાનો લટાવ્‍યા છે.   તેના મીઠા સૂર સમગ્ર ખંડમાં પથરાતા દેખાય અને આપણા અસ્તિત્‍વને ઝંકૃત કરી જાય છે. જૂનાં ચિત્રો સાથે શ્રી એલ.સી. સોનીનાં આધુનિક ચિત્રો પણ ખંડની શોભામાં વધારો કરે છે.  પાસેનાં રૂમમાં ચાઇનીઝ પેટી-પટારા જોવા મળે છે.

 

        પ્રથમ માળે જનાનખાતું હતું.  તેની રચના પણ નીચેના રૂમો જેવી છે.  માત્ર વચ્‍ચેના રૂમની જગ્‍યાએ અગાસી છે.  ત્‍યાંની ઝીણી નકશીકામવાળી જાળીઓ મુસ્લિમ કળાનાં દર્શન કરાવે છે.  તેના તોરણો દેલવાડાંની યાદ અપાવે છે.  તેમાંથી સૂર્યનાં કોમળ કિરણો પસાર થાય ત્‍યારે તેની ગુલાબી ઝાંય મહેલને અવર્ણનીય રંગ અર્પે છે.